વડોદરાના દરજીપુરામાં રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થરમારો

વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દરોડા પાડવા ગયેલી SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમ પર હુમલો થતાં તેને બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે દારૂના ચાલતા કટિંગ પર SMCની ટીમ રેડ કરવા ગઈ તો બૂટલેગરોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં SMCનાં વાહનો અને કેટલાક સભ્યોને ઇજા થઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટનામાં એસએમસીના પીઆઇએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એસએમસીએ ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આઠ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ આ મામલે આગળની તપાસ હરણી પોલીસે હાથ ધરી છે.

દારૂના કટિંગ સમયે રેડ પડતાં પથ્થરમારો થયો SMC પાસેથી મળતી માહિતી પ્રમાણે, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે વડોદરા શહેરના વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે ઉપર આવેલા દરજીપુરા બ્રિજની સામે વી. ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બૂટલેગર ઝુબેર શફીક મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો છે. આ પ્રકારની બાતમી મળતાં વહેલી સવારે 4.00થી 5.00 વાગ્યા વચ્ચે SMCની ટીમે સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બૂટલેગરોએ સ્ટેટ મોનિટરિંગની ટીમ ઉપર પથ્થરમારો કરતાં એસએમસીના પીઆઇ આર. જી. ખાટે બૂટલેગરની કન્ટેનર ગાડી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *