જસદણ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓના હિતાર્થે ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાના પ્રયત્નથી રૂ.6.43 કરોડના ખર્ચે અદ્યતન સ્ટાફ કવાટર્સ મંજૂર કરવામાં આવતા કર્મચારીઓએ આભાર સાથે આનંદની લાગણી વ્યકત કરી છે.
જસદણના વાજસુર૫રા ખાતે તાલુકા પંચાયતના સ્ટાફ માટેના કવાટર્સ તૂટી જતાં અને અત્યંત જર્જરિત બની ગયા હોવાથી અન્ય તાલુકાઓમાંથી આવતા કર્મચારીઓને ભાડાના મકાનમાં રહી મોંધવારીના સમયમાં ઉંચા ભાડા ચુકવવા ન પડે અને સ્થાનિક કક્ષાએ રહી પોતાની ફરજો સારી રીતે બજાવી શકે તે માટે હૈયાત જગ્યા ઉપર જરૂરીયાત મુજબના નવા સ્ટાફ કવાટર્સ બનાવવા માટે લાંબા સમયથી કર્મચારીઓની માંગણી હતી. કેમકે બહારગામથી કામ સબબ અહીં આવતા અનુે રહેતા લોકોને રહેવા માટેની સારી સુવિધાનો અભાવ હોવાથી સારા કર્મચારીઓ અહીં આવતા અટકી જતા હતા જેથી તાલુકા પંચાયત કચેરી માટે ખાસ ક્વાર્ટર બનાવવામાં આવે તેવી લાંબા સમયથી ઉચ્ચકક્ષાએ રજૂઆતો પહોંચતી હતી અને તેનો સફળ પડઘો પડ્યો છે.
જેથી જસદણ તાલુકા પંચાયતના કર્મચારીઓની લાગણીને ધ્યાનમાં રાખી જસદણના ધારાસભ્ય અને સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પંચાયત મંત્રીને સ્ટાફ કવાટર્સ મંજૂર કરવા માટેની દરખાસ્ત માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રજૂ કરવામાં આવતા પંચાયતોને માળખાકીય સુવિધા અંર્તગત સીડીપી-3 યોજના હેઠળ બી-1 ટાઈપના 6 યુનિટ અને બી ટાઈપના 12 યુનિટ સ્ટાફ કવાટર્સ બનાવવાના માટે રૂ.6.43 કરોડની રકમને વહીવટી મંજૂરી આપી છે.