શહેરમાં ગોંડલ રોડ ચોકડી પાસે હોર્ન વગાડવાના પ્રશ્ને રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સે દાદાગીરી કરી એસટીના ચાલક અને કંડક્ટર પર છરી, ધોકા વડે હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ કરતાં આજી ડેમ પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી પાસેના મીરાબાઇ ટાઉનશિપ ફ્લેટમાં રહેતા અને એસટીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા અને કંડક્ટર તરીકે નોકરી કરતા સંદીપસિંહ ગુલાબસિંહ પરમાર રવિવારે બસ લઇને ગોંડલથી રાજકોટ આવતા હતા ત્યારે ગોંડલ ચોકડી પાસેના ઓવરબ્રિજ પાસે રિક્ષાચાલકે રોડ વચ્ચે રિક્ષા રાખી હોય બસના ડ્રાઇવરે હોર્ન મારતાં રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સે ધસી આવી હોર્ન કેમ મારે છે, રસ્તો તારા બાપનો છે ? કહી ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમા઼ કંડક્ટર સંદીપસિંહ છોડાવવા વચ્ચે પડતાં તેની પર પણ હુમલો કર્યો હતો અને છરીના ઘા ઝીંકી નાસી જતાં ઘવાયેલા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના જમાદાર રાણા સહિતના સ્ટાફે કિશોરસિંહ જાડેજાની ફરિયાદ પરથી ફરજમાં રુકાવટ સહિતનો ગુનો નોંધી આરોપી સંજય સહિત ત્રણ શખ્સની શોધખોળ કરી છે.