ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 આર્ટસના સમાજશાસ્ત્રના વિષયમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી વિગતો છપાય હોવાથી અસત્ય વિગતો દૂર કરવાની માગ સાથે રાજકોટમાં બૌદ્ધ સમાજનાં ધર્મગુરૂઓ અને આગેવાનો દ્વારા રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે રજૂઆત કરવામા આવી હતી. બૌદ્ધ ઉપાસિકા રાજકોટ સંઘના સુમેત સતાગતે જણાવ્યું હતું કે, ધો. 12 આર્ટસના સમાજશાસ્ત્રના વિષયમાં બૌદ્ધ ધર્મ વિશે અસત્ય વિગતો છાપવામાં આવી છે. જે વિગતો દૂર કરવા માટે આજે કલેકટર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા છીએ. ધો. 12ના વિદ્યાર્થીઓ ખોટી માહિતી સાથે પુસ્તક વાંચશે અને તેની પરીક્ષા આપશે. જેથી તાત્કાલિક આ માહિતી પુસ્તકોમાંથી દૂર કરવી અને સાચી માહિતી સાથેનું નવું પુસ્તક બહાર પાડવું જોઈએ તેવી અમારી માગણી છે.
રાજકોટ કલેક્ટર ન હોવાથી અધિક કલેક્ટર ચેતન ગાંધીને અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે, બુદ્ધ ધર્મમાં 2 સ્તર છે. જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ છે. જ્યારે નિમ્ન સ્તરમાં બુદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહો છે. સારનાથ, સાંચી અને બોધિગયા બુદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રો છે. તેમના ધર્મગુરૂ લામા તરીકે ઓળખાય છે. તેમના ધર્મસ્થાનોમાં વિશ વિલ હોય છે. બૌદ્ધ ધર્મસ્થાનને બૌદ્ધ મંદિર તરીકે ઓળખાય છે. તેમનું ધર્મ પુસ્તક ત્રીપિટક છે. તેઓ કર્મ અને પુનર્જન્મમાં માને છે.