ST ડેપોમાં લઇ જવાતા ટેન્કરમાંથી 150 લિટર ડીઝલની ચોરી, ચાલક ઝડપાયો

રાજકોટના આઇઓસીએલ ડેપોથી સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો માટે ડીઝલનો જથ્થો લઇને નીકળેલું ટેન્કર સુરેન્દ્રનગર જવાને બદલે રાજકોટના મોચીનગરમાં પહોંચ્યું હતું અને તેમાથી 150 લિટર ડીઝલની ચોરી કરવામાં આવી હતી. સ્થળ પરથી ટેન્કરચાલક ઝડપાઇ ગયો હતો. જોકે અન્ય છ શખ્સ નાસી ગયા હતા.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ ખાતે તકેદારી શાખામાં સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવતા સંજયભાઇ બાલકૃષ્ણભાઇ લખતરિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોપટપરામાં રહેતા ટેન્કરચાલક અબ્બાસ કાસમ બુરબાન અને છ અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.

સંજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જામનગર રોડ પર આવેલા આઇઓસીએલના રાજકોટ ટર્મિનલ ખાતેથી તા.21ના સવારે ડીઝલનો જથ્થો ભરી ટેન્કર સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે જવાનું હતું, ટેન્કર ગાંધીગ્રામના મોચીનગરમાં એક ઘર પાસે ઊભું રહ્યું હતું જેથી સંજયભાઇ સહિતના સ્ટાફે પોતાનું વાહન થોડે દૂર ઊભુું રાખી ત્યાંથી વોચ શરૂ કરી હતી.

ડ્રાઇવરે ટેન્કરનું સીલ તોડી ટેન્કરની ઉપર આવેલી ચેમ્બરમાં નળી નાખી હતી અને અન્ય છ શખ્સે મળી ટેન્કરમાંથી 100થી 150 લિટર ડીઝલ કાઢી બેરલમાં ભરી લીધું હતું. ડ્રાઇવર અબ્બાસ સ્થળ પરથી ઝડપાઇ ગયો હતો જ્યારે અન્ય છ શખ્સ નાસી ગયા હતા. પોલીસે ઘરમાં તપાસ કરી તો ડીઝલ ભરેલા તથા ખાલી બેરલનો જથ્થો પણ મળી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *