STના પાસ કઢાવવા હવે બસ સ્ટેન્ડના ધક્કા ખાવા નહીં પડે, ઓનલાઈન પ્રક્રિયા થશે, QR કોડથી પેમેન્ટ કરી શકાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતો એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ટેક્નિકલ કારણોસર બંધ રહેલી ‘ઓનલાઈન મુસાફર પાસ’ સેવા હવે ફરી ધમધમતી થઈ ગઈ છે. નિગમે પોતે જ નવું ઇનહાઉસ સોફ્ટવેર તૈયાર કરી આ સિસ્ટમને હાઈટેક બનાવી છે. આ નિર્ણયથી રાજકોટ સહિત રાજ્યભરની લોકલ અને એક્સપ્રેસ બસમાં કાયમી અપડાઉન કરતા અંદાજે 2 લાખથી વધુ મુસાફરોને સીધો ફાયદો થશે.

રાજકોટ એક મોટું એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રિયલ હબ હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો દરરોજ એસટી બસમાં અપડાઉન કરે છે. આ નવી સિસ્ટમ આવવાથી રાજકોટ ડેપો કે સેન્ટ્રલ બસ સ્ટેશન પર પાસની બારીએ થતી ભીડ હવે ભૂતકાળ બની જશે.

અગાઉ મુસાફરોને પાસ કઢાવવા માટે ડેપો પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે, મુસાફરો પોતાના મોબાઈલથી જ પાસની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. પેમેન્ટ માટે પણ હવે રોકડા રૂપિયા રાખવાની ચિંતા નથી; મુસાફરો QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘X’ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, ટેક્નિકલ ખામીઓ દૂર કરી નિગમે ઇનહાઉસ સોફ્ટવેર ડેવલપ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *