વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ક્રાંતિ સર્જી રહી છે, ત્યારે આ અભિયાનને આગળ ધપાવવા માટે રાજકોટ જિલ્લાના દરેક એટલે કે, 11 તાલુકામાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે મેદાનો તૈયાર કરવા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં જિલ્લાના પાંચ તાલુકાઓમાં 2.46 કરોડના ખર્ચે રમત-ગમતના મેદાનો બનાવવાના કામને મંજૂરી આપી દેવામાં આવી છે. આ 5 તાલુકામાં આગામી ત્રણેક મહિનામાં મેદાનો બનીને તૈયાર થઈ જવાના છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મોમેન્ટ ને આગળ ધપાવવાના ભાગરૂપે દરેક તાલુકા દીઠ એક રમત-ગમતનું મેદાન બનાવવાની દિશામાં હાલ પ્રયત્નો ચાલુ છે. લોધિકામાં મંત્રી ભાનુબેનના અધ્યક્ષતામાં મેદાનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ.65 લાખના ખર્ચે ત્યાં વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જે કામ મહિનામાં પૂર્ણ થશે. સરકારી ખરાબા વણવપરાયેલા પડ્યા હતા, જેને લોકઉપયોગી બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.