એક્ટર મુકુલ દેવનું 23 મેના રોજ અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાને કારણે ICUમાં હતા. 54 વર્ષીય એક્ટર તેમના મોટા ભાઈ રાહુલ દેવ અને દીકરી સિયાને પાછળ વિલાપ કરતા છોડી ગયા છે. અલબત્ત, આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી આ અભિનેતાનું મૃત્યુ ચોક્કસ કયાં કારણોસર થયું એની પુષ્ટિ થઈ શકી નથી. તેમના પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં તેમના મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી. પરિવાર જણાવે છે કે મુકુલ દેવે શુક્રવારે રાત્રે શાંતિપૂર્વક છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના અંતિમસંસ્કાર દિલ્હીના દયાનંદ મુક્તિ ધામ ખાતે શનિવારે સાંજે 5 વાગ્યે કરવામાં આવશે.
વિંદુ દારા સિંહ, જેમણે મુકુલ સાથે ‘સન ઓફ સરદાર’માં કામ કર્યું હતું, તેમણે ‘ઈન્ડિયા ટુડે’ સમક્ષ આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મુકુલ પોતાને મોટા પડદા પર જોઈ શકશે નહીં.’
‘તેમનાં માતા-પિતાના અવસાન પછી મુકુલ એકલા રહેતા હતા. તેઓ ઘરની બહાર નીકળતા ન હતા કે કોઈને મળતા નહોતા. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત વધુ બગડી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા. તેમના ભાઈ અને તેમને જાણનારા અને પ્રેમ કરનારા દરેકને મારી સંવેદના. તેઓ એક અદ્ભુત વ્યક્તિ હતા અને અમે બધા તેમને યાદ કરીશું.’
મુકુલની મિત્ર અને એક્ટ્રેસ દીપશિખા નાગપાલે પણ ઈન્સ્ટાગ્રામ પર દિવંગત એક્ટર સાથેનો ફોટો પોસ્ટ કર્યો. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે ‘મુકુલે ક્યારેય કોઈને પોતાની તબિયત વિશે વાત કરી નહોતી. તેમનું એક વ્હોટ્સએપ ગ્રુપ છે, જ્યાં તેઓ ઘણીવાર વાત કરતા હતા. હું સવારે આ સમાચાર સાથે ઊઠી. ત્યારથી હું તેમના નંબર પર ફોન કરી રહી છું, આશા રાખું છું કે તેઓ ફોન ઉપાડે.’