સોશિયલ મીડિયા, સમાધાનકારી વલણનો અભાવ છૂટાછેડા વધવા માટેનું કારણ બન્યું

ગુજરાત સહિત ભારતમાં હાલમાં છૂટાછેડાના વધતા જતા કેસ પાછળ અનેક મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા દોશીએ પીએચડીના વિદ્યાર્થિની વરુ જીજ્ઞા સાથે મળીને કેસ અભ્યાસ દ્વારા તારણો આપ્યા છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સને કારણે વધતા કનેક્શન્સના કારણે બેવફાઈના કિસ્સાઓ પણ વધ્યા છે, જે સંબંધોમાં વિશ્વાસ તોડે છે. પહેલાં છૂટાછેડાને સમાજમાં મોટો કલંક માનવામાં આવતો હતો. હવે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, છૂટાછેડાને વધુ સ્વીકૃતિ મળી રહી છે, જેનાથી લોકો માટે આ વિકલ્પ પસંદ કરવાનું સરળ બન્યું છે.

ફિલ્મો, સોશિયલ મીડિયા અને પુસ્તકો દ્વારા પ્રેરિત થઈને લોકો લગ્નમાંથી અવાસ્તવિક રોમેન્ટિક અપેક્ષાઓ રાખે છે. જ્યારે વાસ્તવિકતામાં સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે છે. હવે, ખાસ કરીને યુવા પેઢીમાં, “આજે અને અત્યારે” સુખની શોધ કરવાની વૃત્તિ છે જેના કારણે તેઓ ઓછા સમાધાનકારી બન્યા છે.

ડિજિટલ યુગમાં લોકો એકબીજા સાથે ઓછા વાર્તાલાપ કરે છે, જેના કારણે ભાવનાત્મક અંતર વધે છે. લાગણીઓ, જરૂરિયાતો અને ચિંતાઓ વ્યક્ત ન થતાં ગેરસમજો વધે છે. આધુનિક જીવનશૈલીના તણાવને કારણે પતિ-પત્ની એકબીજા સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકતા નથી જેનાથી સંચાર તૂટે છે અને આ બધા કારણે છૂટાછેડાના દરમાં વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *