રાજકોટમાં આવેલી SNK સ્કૂલની વિદ્યાર્થિનીના વાઇરલ વીડિયો બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગાજી રહેલા મામલામાં આજે યુ ટર્ન આવ્યો છે. સ્કૂલના જ વિદ્યાર્થીઓ પરેશાન કરતા હોવાનો અને સ્કૂલ કોઈ પગલાં ન લેતી હોવાના વિદ્યાર્થિનીના આક્ષેપ બાદ DEOએ તપાસ માટે કમિટીની રચના કરી હતી. જ્યારે વિદ્યાર્થી સંગઠનોએ સ્કૂલ પર વિરોધપ્રદર્શન કરી કાર્યવાહીની માગ કરી હતી. એની વચ્ચે આજે વિદ્યાર્થિનીના વાલીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે શાળા, વાલીઓ વચ્ચે સમાધાન થઈ ગયાનું કહી રહ્યા છે. વિદ્યાર્થિનીએ વીડિયોમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓ સામે આક્ષેપ કર્યો હતો, પરંતુ તેના વાલીએ કહ્યું હતું કે આ મામલામાં કોઈ વિદ્યાર્થી નથી.
રાજકોટની SNK સ્કૂલની ધોરણ 6ની વિદ્યાર્થિની, જેનાં દ્વારા જ એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો કે ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા પજવણી કરવામાં આવી રહી છે, જોકે આજે તેમના દ્વારા જ આજે એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. એમાં તે વિદ્યાર્થિની ઉપરાંત અન્ય વિદ્યાર્થિનીઓ અને વાલીઓ એવું કહી રહ્યાં છે કે આ સમગ્ર ઘટનામાં અમે શાળા સંચાલક સહિતના સાથે વાતચીત કરી લીધી છે અને એમાં સમાધાન થઈ ગયું છે, જેથી હવે આ ઘટનામાં અન્ય કોઈ સંસ્થાએ વીડિયો વાઇરલ કરવાની જરૂર નથી, જેથી આ વીડિયો દૂર કરવામાં આવે એવું જણાવ્યું હતું. આ દરમિયાન SNK સ્કૂલ દ્વારા ઓફિશિયલ લેટર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓ એવું લખી રહ્યા છે કે આ ઘટનામાં જે વિદ્યાર્થિનીઓ હતી તેઓ તેમજ તેમના વાલીઓ સ્કૂલ ખાતે આવી પહોંચ્યાં હતાં અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેમની સમસ્યા દૂર થઈ ગઈ છે અને આ ઘટનામાં વિદ્યાર્થિનીઓ જ હતી. વિદ્યાર્થી એકપણ નહોતો.