શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કૂલમાં અભ્યાસ કરતી ધો.6ની વિદ્યાર્થિનીને સ્કૂલબસમાં જતી વખતે સિનિયર વિદ્યાર્થિનીઓ પજવણી કરવા મુદ્દે વિવાદ થયો હતો. અગાઉ સ્કૂલ મેનેજમેન્ટે આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ વિવાદ વધતા આખરે ભોગ બનનાર વિદ્યાર્થિનીને અલગ બસમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી અને વાલીને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા, પરંતુ હજુ આ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બનતા જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે અને એક તપાસ કમિટીની રચના કરી છે જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તપાસ કરશે અને ડીઈઓને રિપોર્ટ કરશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આ સંસ્થાની જ સિનિયર વિદ્યાર્થિનીઓ દ્વારા પજવણી કરાતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ શાળા કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ત્યારબાદ મંગળવારે આ કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો. આ દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે વિદ્યાર્થિનીનો વીડિયો જોઈ કહ્યું કે, આ ઘટનામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની કમિટી રચી છે જે આ સમગ્ર બાબતે તપાસ કરશે અને તપાસનો રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે પગલાં લેવાશે.