રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસી ખાતે કારખાનાના તાળાં તોડી તસ્કરો રૂ.7.42 લાખની કિંમતના રો-મટિરિયલ્સની ચોરી કરી ગયાની ફરિયાદ પરથી મેટોડા પોલીસે ગુનો નોંધી માહિતીને આધારે કારખાનામાં ચોરી કરનાર ટોળકી તેમજ ચોરાઉ માલ ખરીદનાર રાજકોટના વેપારી અને મદદ કરનાર શખ્સોને પકડી લઇ વધુ ચોરીના ભેદ ઉકેલવા કાર્યવાહી કરી છે.
પેાલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મેટોડા જીઆઇડીસી ખાતે સુમો પોલી પ્લાસ્ટ પ્રા.લી. કંપનીમાંથી સ્ટોરરૂમના તાળાં તોડી તસ્કરો રૂ.7.42 લાખની કિંમતનું રો-મટિરિયલ્સની ચેારી કરી ગયાની ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા ધર્મેશભાઇ સતારાએ ફરિયાદ કરતા પીઆઇ શર્મા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન સુમો પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં ચોરી કરનાર તસ્કરો માલ વેચવા નીકળ્યા હોવાની માહિતીને આધારે પોલીસે યશ્વિન ખીમજીભાઇ ઝાલા,ગોપાલ હીરાભાઇ ચૌહાણ, રામ માનસમની મિશ્રા,દેવીદાસ જીણારામ રામદેપોત્રા,ધર્મેન્દ્ર ભીખાભાઇ રાઠોડ,પૃથ્વી મહેશભાઇ ગણાત્રા અને સુરેશ ઉકાભાઇ અકબરી સહિતને ઉઠાવી લઇ કાર્યવાહી કરી હતી.
પોલીસની તપાસમાં સુરેશ અકબરી ચોરાઉ માલ ખરીદી કરી હતી અને ઉપેન્દ્ર ગણાત્રાએ ટોળકીને મદદગારી કરી હોવાનું બહાર આવ્યું હતું. મેટોડા પોલીસે ટોળકીની ધરપકડ કરી તેની પાસેથી રૂ.8.42 લાખની મતા કબજે કરી વધુ ચેારી ના ભેદ ઉકેલવા કાર્યવાહી કરી છે.