શહેરમાં દારૂનું દૂષણ બંધ કરવાના પોલીસના અભિયાન દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે માહિતીને આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી આજી ડેમ જવાના રસ્તા પર ખોખડદળ નદીના પુલ પાસેથી 150થી વધુ દારૂની પેટી ભરેલી ટ્રકને ઝડપી લઇ ચાલકની ધરપકડ કરી લાખોની મતા કબજે કરી આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને ડિલિવરી કરવાનો હતો સહિતની પૂછતાછ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રીનલેન્ડ ચોકડીથી આજી ડેમ તરફ જતા રોડ પર વિદેશી દારૂની ટ્રક પસાર થવાની હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરિંગની ટીમે વોચ ગોઠવી ખોખડદળ નદીના પુલ પાસે માલધારી ફાટક નજીક શંકાસ્પદ ટ્રકચાલકને અટકાવી તેની તલાશી લેતા ટ્રકમાંથી 150થી વધુ વિદેશી દારૂની પેટી મળી આવતા પોલીસે દારૂ, ટ્રક સહિત લાખોની મતા કબજે કરી ટ્રકચાલકની પૂછતાછ કરી આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની કાર્યવાહી કરી છે.
આ ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઇને પોરબંદર જવાનો હોય રસ્તામાં ટ્રકમાં ખરાબી આવી જતા ટ્રક રિપેરિંગ કરી ચાલક નીકળે તે પહેલાં જ એસએમસીએ દરોડો પાડ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એસએમસી ફરી સક્રિય થઈ છે અને લાખો રૂપિયાનો દારૂ ઝડપી રહી છે. ત્યારે રાજકોટ શહેર અને રૂરલ પોલીસના અધિકારીઓ સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે કે, તેઓને દારૂ અંગે માહિતી શા માટે નથી મળતી?