રાજકોટ CP કચેરી બહાર ‘ભાજપ હાય હાય’ના નારા લાગ્યા

ગત વર્ષે રાજકોટના નાના મવા રોડ પર સ્થિત TRP ગેમ ઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડની આગ હજુ પણ સંપૂર્ણપણે શમી નથી. આ ગોઝારી ઘટનામાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હવે તેની પ્રથમ વરસી નજીક આવતા પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ગઈકાલે જ કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ત્રિકોણબાગે મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ કરવામાં આવતા તમામની અટકાયત કરાઈ હતી. ત્યારે આજે બીજા દિવસે પોલીસ કમિશનર કચેરીએ ‘ન્યાય આપો ન્યાય આપો પીડિતોને ન્યાય આપો’ તેમજ ‘ભાજપ હાય હાય’ જેવા નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જવાબદારોની સામે કડક પગલાં લેવા માગ કરવામાં આવી હતી.

આ તકે કોંગ્રેસના મહિલા અગ્રણી નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ટીઆરપી અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે છતાં સરકાર તરફથી જોઈએ તે પગલાં લેવાયા નથી. જેને લઈને વિપક્ષ તરીકે સરકારને પ્રશ્નો પૂછવાની અમારી ફરજ છે. આ બનાવમાં માત્ર TPO સાગઠિયાને હોળીનું નાળિયર બનાવવામાં આવ્યો છે. આ ઘટનામાં સ્થાનિક કોર્પોરેટરો સહિતના મોટા માથાનાં નામો હોવા છતાં તેમની સામે પગલાં લેવાયા નથી. માત્ર નાની માછલીઓ જેલમાં છે તો મોટા મગરમચ્છો સામે પગલાં ક્યારે લેવાશે તે પોલીસ કમિશનરને પૂછવા આજે અમે આવ્યા છીએ. તપાસ માટે SIT બનાવવામાં આવી છે તો તેનો રિપોર્ટ લોકો સમક્ષ ક્યારે મુકવામાં આવશે ? સહિતના પ્રશ્નો માટે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, આગામી 25મી મેના રોજ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી સાચો ન્યાય મળ્યો નથી. આ મુદ્દે અનેક તપાસો થઈ, અધિકારીઓની ધરપકડ થઈ, પરંતુ પીડિતોના આંસુ હજુ સુકાયા નથી. તેમજ પદાધિકારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. આથી, કોંગ્રેસ હવે ચૂપ બેસવા માંગતી નથી. પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગઈકાલે ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *