શહેરમાં કિસાનપરા ચોક પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારી સોસાયટીમાં બીબીએનો વિદ્યાર્થી જુગારધામ ચલાવતો હોવાની માહિતીને આધારે પીસીબીની ટીમે દરોડો પાડી બે કોલેજિયન સહિત છ શખ્સને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.04 લાખની રોકડ સહિતની મતા કબજે કરી વધુ પૂછતાછ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારી સોસાયટીમાં પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટમાં કોલેજિયન યુવક જુગારધામ ચલાવતો હોવાની માહિતીને આધારે પીઆઇ હુણ સહિતે દરોડો પાડ્યો હતો. ગંજીપાના વડે જુગાર રમાડતો આદિત્ય શૈલેષભાઇ મહેતા, રાજવીર ભરતભાઇ કાનગડ, રમેશ બચુભાઇ મારકણા, ફૈસલ છોટુભાઇ શેખ, પ્રકાશ હરિભાઇ સતાસિયા અને ધવલ ભરતભાઇ પારેખને ઝડપી લઇ તેની પાસેથી રૂ.1.04 લાખની રોકડ સહિતની મતા કબજે કરી હતી. બનાવને પગલે એ.ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસની પૂછતાછમાં રાજકોટમાં રહેતો અને જુગારધામ ચાલવતો આદિત્ય જયપુરમાં બીબીએનો અભ્યાસ કરતો હોવાનું અને ભરત કાનગડ આત્મીય કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતો હોવાનું તેમજ રમેશ ખેતીકામ, પ્રકાશ જમીન-મકાનનો અને ધવલ વેપાર કરતો હોવાનું જણાવતા પોલીસે જુગારધામ કેટલા સમયથી ચલાવતા હતા સહિતની પૂછતાછ કરી હતી.