સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે કુલપતિની અધ્યક્ષતામાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં અભ્યાસક્રમ, નવી કોલેજો સહિતના જુદા જુદા 87 એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. સવારે 11.30 કલાકે મળેલી મિટિંગમાં 87 એજન્ડાની એકેડેમિક કાઉન્સિલની બેઠક આશરે 120 મિનિટમાં જ પૂરી થઇ હતી. મોટાભાગે તમામ બાબતો મંજૂર કરવામાં આવી હતી. મહત્ત્વની બાબત રાજકોટમાં એક સહિત સૌરાષ્ટ્રમાં નવી 6 કોલેજને મંજૂરી આપવામાં આવી હતી. અન્ય કોલેજોના ચાલુ જોડાણ, નવા જોડાણ સહિતની બાબતો પણ મંજૂર કરવામાં આવી હતી.
સાયબર સિક્યોરિટી લો અને સેનિટરી ઇન્સ્પેક્ટરનો નવો કોર્સ શરૂ કરવા, ફાર્મસીની ડિગ્રીમાં ફાર્મ-ડીને બદલે ડોક્ટર ઓફ ફાર્મસી દર્શાવવા નિર્ણય લેવાયો હતો. હોમસાયન્સ ફેકલ્ટીમાં ડિપ્લોમા ઇન સેનિટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસક્રમ હોમસાયન્સ વિદ્યાશાખા હેઠળ સમાવવામાં આવ્યો છે. માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન હ્યુમન રાઈટ્સ સાયબર સિક્યોરિટી લો (PGDHRCSL)નો અભ્યાસક્રમ મંજૂર કર્યો હતો.