ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મંગળવારે મધરાતે થયેલી અફરાતફરીમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘવાયા છે ત્યારે મહાકુંભ મેળામાં ગયેલા રાજકોટના વેપારીએ ત્યાંની સ્થિતિ અંગે દિવ્ય ભાસ્કર સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો અને પ્રવર્તમાન સ્થિતિમાં મહાકુંભ મેળામાં જવાનું ટાળવા તેમણે લોકોને અપીલ કરી હતી.
રાજકોટના કોટેચા ચોકમાં ફરસાણનો વેપાર કરતા નિલેશભાઇ પટેલે કહ્યું હતું કે, પોતે તથા તેમના મિત્રો સહિત છ લોકો કારમાં શનિવારે રાજકોટથી નીકળ્યા હતા. મંગળવારે રાત્રીના દુર્ઘટના ઘટી ત્યારે તે દુર્ઘટના સ્થળથી થોડે જ દૂર હતા. નિલેશભાઇએ કહ્યું હતું કે, મહાકુંભ મેળામાં ક્ષમતા કરતા આઠથી નવગણા લોકો છે, જ્યાં નજર પડે ત્યાં લોકો જ જોવા મળે, ધક્કામુક્કી એ સામાન્ય બાબત છે.
પ્રયાગરાજને જોડતા તમામ હાઇવે પર ટ્રાફિકજામ છે, દશ દશ કલાકથી વધુ વાહનો ફસાયેલા રહે છે. રેલવે સ્ટેશને શ્રદ્ધાળુ ઉતરે એટલે તેને કોઇ વાહન મળતું નથી, સંગમઘાટ પહોંચવા માટે તેણે ઓછામાં ઓછું 15થી 20 કિલોમીટર સુધી ચાલવું પડે છે. સંગમઘાટ જવા માટેના કેટલાક રસ્તા સાધુ-સંતો અને વીઆઇપી લોકો માટે બ્લોક કરી દેવાયા છે, સંગમઘાટ જવા લોકો ગાંડાની જેમ ભટકી રહ્યા છે.