રાજકોટના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ બાદ તપાસ માટે રચાયેલી ‘SIT’ દ્વારા પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ રિપોર્ટમાં ઘટનાસ્થળ ઉપર ઈમરર્જન્સી એક્ઝિટ ન હોવાના કારણે જે લોકો બહાર ન નીકળી શક્યા તેઓ મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે તંત્રના વિવિધ વિભાગોની બેદરકારી હોવાનું પણ પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.
સીટની તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે, આ દુર્ઘટનામાં તમામ વિભાગો જવાબદાર જણાય છે. કારણ કે, સ્થળ પર માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રથમ માળે પહોંચવા કાયમી સુરક્ષિત સીડી હોવાનું ચકાસવાની ક્યારેય તસ્દી લેવામાં આવી ન હતી. પોલીસે ફાયર એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપી દીધી હતી તો કોર્પોરેશને પણ કોઈપણ જાતના ચેકિંગ વિના ગુનાહીત બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે.
TRP ગેમ ઝોનમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ગેમઝોનના સંચાલકો દ્વારા આ વખતે સીઝનમાં ખાસ નવો સ્નોપાર્ક બનાવવા માટે કામગીરી ચાલુમાં હતી અને તેના માટે જરૂરિયાત મુજબ વેલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યું હતું. જેના તણખાથી આગ લાગી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.