રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની કારમાં સાયરન લગાવવા મુદ્દે ભારે વિવાદ થયા બાદ બે આરટીઆઇ એક્ટિવિસ્ટે આરટીઓ પાસે આ મુદ્દે આરટીઆઇ કરી માહિતી માગી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી ઇમર્જન્સી સેવા સાથે સંકળાયેલા વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, બચાવ કામગીરીમાં સંકળાયેલા વાહનો તેમજ પોલીસ વાહનોમાં જ સાયરન લગાવવાની જોગવાઇ છે. જેની સાથે રાજ્યસભામાં પણ અપાયેલી એક માહિતીમાં સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ-1989 મુજબ પોલીસ વાન, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડી સિવાય અન્ય કોઇ વાહનમાં સાયરન લગાવી શકાય નહીં તેવી માહિતી આપવામાં આવ્યા બાદ પણ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને તેને નિયમોનું પાલન કરાવવાની જેમની ફરજ છે તે આરટીઓ તંત્ર, પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના જવાબદારો મૂક પ્રેક્ષકની જેમ તમાશો જોઇ રહ્યા છે.
મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કાયદા અને અનુશાસનની વાત કરતા પદાધિકારીઓ જ કાયદાનું હનન કરતાં હોવાનું સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે.