ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.27 ઓક્ટોબરના Special Intensive Revision (SIR) એટલે કે ‘ખાસ સઘન સુધારણા’ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ 4 નવેમ્બરથી 14 ડિસેમ્બર દરમ્યાન Enumeration Form (EF) ગણતરી ફોર્મનો સમયગાળો નકકી કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 23.91 લાખ મતદારોની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે.
જેમાં 89,553 મૃત મતદારો મળી આવ્યા છે. જ્યારે 58,942 મતદારો સ્થળ પર હાજર મળી આવ્યા નથી તો 10,736 મતદારો ડુપ્લીકેટ મતદારો હોવાથી તેઓના નામ ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જ્યારે 7304 મતદારોના અન્ય કારણોથી નામ દૂર કરવામાં આવ્યા છે. આમ કુલ 1,66,535 મતદારોના નામ રદ થયા છે. આજે 19 ડિસેમ્બરના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યા બાદ હવે વર્ષ 2026માં 18 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે. જેઓના હિયરિંગ બાદ 17 ફેબ્રુઆરીના ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23,91,027 મતદારોની BLO દ્વારા ખરાઈ કરવામાં આવી. જેમાંથી 8,23,668 મતદારોની વર્ષ 2002 ની મતદારયાદી સાથે સેલ્ફ મેપિંગ કરવામાં આવ્યું હતુ. જ્યારે 10,06,177 મતદારોનું વંશાવલી એટલે કે Progeny Mapping કરવામાં આવ્યુ હતુ. જ્યારે 2,25,512 મતદારો એવા છે કે જેઓનું મેપિંગ થઈ શક્યુ નથી. આ સાથે જ 89,553 મતદારો અવસાન પામ્યા હોવાનું સામે આવ્યુ છે. તેથી તેઓના નામો ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 58,942 મતદારો સ્થળ ઉપર હાજર મળી આવ્યા નથી. જેથી તેઓના નામ પણ ડ્રાફટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.