રેશનિંગનો પુરવઠો સમયસર નહિ મળતા રેશનકાર્ડના દુકાનદારો સોમવારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પુરવઠા અધિકારીને મળ્યા હતા અને તેઓને સમસ્યા રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સમયસર પુરવઠો નહિ મળવાથી અંદાજિત 50 હજાર રેશનકાર્ડધારકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ શહેર ફેર પ્રાઈસ શોપ એસો.ના મહામંત્રી અને સભ્યોએ જણાવ્યું હતું કે, જૂન માસના રેશનિંગના પુરવઠાના વિતરણની મુદત લંબાવી 30 જૂન સુધી કરી આપવામાં આવે અને પૂરક પરમિટ આપવામાં આવે તેવી માગણી કરી હતી. રાશનનો પુરવઠો સમયસર નહિ મળવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. લાભાર્થીઓ તો હેરાન થાય જ તો રાશનના દુકાનદારોને પણ પુરવઠાનું કમિશન ગુમાવવું પડે છે. ગત મહિને પરિપત્ર કરીને મે અને જૂન માસના રેશનિંગના પુરવઠાનું વિતરણ મે માસમાં કરવાનું ઠરાવવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી સમયસર પુરવઠો નહિ મળતા મુશ્કેલી પડી રહી છે. તેમજ તેઓમાં રોષની લાગણી ફેલાઈ છે. જેનો ભોગ રેશનિંગના દુકાનદારોને બનવું પડી રહ્યું છે. રેશનકાર્ડ ધારકોને રેશનિંગના પુરવઠાથી વંચિત રહેવું ન પડે તે માટે જૂન માસના પુરવઠા વિતરણની મુદત લંબાવવામાં આવે તેવી માગણી ઊઠી છે. 13 મે બાદ જે રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવેલ છે તેમને રેશનિંગનો પુરવઠો મળી રહે તે માટે દુકાનદારોને પૂરક પરમિટ આપવામાં આવે અને જૂન માસના રેશનિંગના પુરવઠાના વિતરણને લંબાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.