શહેરમાં યુનિવર્સિટી રોડ પર એફ.એસ.એલ. ઓફિસ પાસે પાનની દુકાન ચલાવતા યુવકે પાનની ઉધારીના પૈસાની માંગ કરતાં શખ્સે તને પૈસા નથી આપવા કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી છરી વડે હુમલો કરતાં યુનિવર્સિટી પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
150 ફૂટ રિંગ રોડ પર એસટી વર્કશોપ પાસેના આંબેડકરનગરમાં રહેતો અને છેલ્લા એક માસથી ભાડે દુકાન રાખી યુનિવર્સિટી રોડ પર પાનની દુકાન ચલાવતા પ્રિયાંક રણજિતભાઇ પરમાર (ઉ.19) તેની દુકાને હતો ત્યારે યુનિવર્સિટી રોડ પર રહેતા મીત હેમેન્દ્રભાઇ જેઠવા નામના શખ્સે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી છરી વડે હુમલો કરતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાવની જાણ થતાં જમાદાર બાળા સહિતના સ્ટાફે તપાસ કરતાં પ્રિયાંકની દુકાને અવારનવાર ફાકી ખાવા આવતા મીત સાથે પરિચિત હોય ઉધારીમાં પાન, ફાકી લઇ જતો હતો જેથી ઉધારીના રૂ.2600ની માંગ કરતાં તેને ઝઘડો કરી પૈસા આપવાની ના પાડી હતી. બાદમાં બીજા દિવસે ફોન કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી દુકાને બોલાવ્યો હતો જેથી પ્રિયાંક તેની દુકાને જતા અગાઉ જ દુકાન પાસે ઊભેલા મીતે છરી સાથે ધસી આવી હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.