શીલજ ગેંગરેપ વિથ લૂંટની ઘટના

અમદાવાદના શીલજ વિસ્તારમાં તાજેતરમાં જ 5 સિક્યોરિટી ગાર્ડ દ્વારા કાવતરું રચીને એકલી રહેતી મહિલાના ઘરે લૂંટ કરવાનું આયોજન કરાયું હતું, જેમાં સૌપ્રથમ આયોજન મુજબ મહિલાના ઘરનું વીજ કનેક્શન બંધ કરીને તેના ઘરમાં પ્રવેશી મહિલા પર દુષ્કર્મ કરવા પ્રયાસ કરાયો હતો, પરંતુ મહિલા પોતે ગર્ભવતી હોવાનું અને કેન્સરગ્રસ્ત હોવાનું જણાવતાં તેને મૂકીને આરોપીઓએ 19 વર્ષીય ઘરઘાટી યુવતી ઉપર સમૂહમાં દુષ્કર્મ આચર્યું હતું અને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે તમામ આરોપીને ઝડપી લીધા હતા. આજે પોલીસે આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ જ્યાં જ્યાં ગયા હતા ત્યાં ત્યાંથી પંચનામું કરાયું છે.

આરોપીઓને લક્ઝરી બસમાંથી ઝડપી પાડ્યા હતા
બનાસકાંઠા પોલીસને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી લીડ મળતાં આરોપીઓને પાલનપુર હાઈવે ઉપરથી લક્ઝરી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓમાં પંજાબના અમૃતપાલ સિંહ, મંજિતસિંહ અને સુખવિંદર સિંહ તેમજ ઉત્તરપ્રદેશનો રાહુલ સિંહ અને મધ્યપ્રદેશના હરિઓમ ઠાકુરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓને અમદાવાદ લવાતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *