મણિપુરમાં જાતીય હિંસા યથાવત્!

મણિપુરમાં જારી જાતીય હિંસાને એક વર્ષનો ગાળો થઇ ગયો છે, પરંતુ હિંસાના એક વર્ષ બાદ પણ રાજ્યમાં મેઇતેઇ અને કુકી-જોમી જનજાતિ સમુદાયની વચ્ચે તંગદિલી વિસ્ફોટક સ્તર પર છે. ગયા વર્ષે ત્રીજી મેના દિવસે શરૂ થયેલી જાતીય હિંસામાં હજુ સુધી 200 લોકોનાં મોત થયાં છે બીજી બાજુ 58 હજારથી વધુ બેઘર લોકો રાત છાવણીમાં ખૂબ જ મુશ્કેલીમાં છે. સાથે સાથે દહેશતમાં પણ છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદ સુધી કથ‌ળી ગઇ છે કે ઝેડ સુરક્ષાની સાથે પણ રાજ્યના મુખ્યમંત્રી કુકી-જોમી વિસ્તારમાં જાનમાલના નુકસાનની સમીક્ષા કરવા માટે પહોંચી શક્યા નથી. અહીં સમાજ વિભાજિત છે. ઓફિસ હોય કે હોસ્પિટલ, કોઇ પણ જગ્યાએ સરકારી સિસ્ટમ નથી.

સરકારના પરિપત્ર છતાં સરકારી ઓફિસમાં કર્મચારીઓ દેખાતા નથી. કુકી બહુમતિવાળા જિલ્લા હોય કે પછી મેઇતેઇ બહુમતિવાળા વિસ્તારો હોય રસ્તા પર હથિયારો સાથે લોકો દેખાઇ રહ્યા છે. સમગ્ર રાજ્ય બે હિસ્સામાં વિભાજિત છે. વર્તમાન સ્થિતિ એ છે કે કુકી-જોમી જનજાતિના લોકો હવે ઇમ્ફાલ ખીણમાં આવવા માટે કોઇ જોખમ લેવા ઇચ્છુક નથી.

ચૂરાચાંદપુરમાં રહેતા જે. બાઇતે (નામ બદલ્યું છે) પ્રોફેશનથી શિક્ષક છે. તેઓ કહે છે કે આશરે 3.50 લાખની વસતી ધરાવતા ચૂરાચાંદપુરમાં માત્ર એક સરકારી હોસ્પિટલ છે. જો ત્યાં સારવાર થતી નથી તો લોકોને આઇઝોલ જવાની ફરજ પડે છે. જે 350 કિલોમીટરના અંતરે છે. પ્રાઇવેટ વાહનોથી ત્યાં જવામાં આઠથી 10 કલાકનો સમય લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *