સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ભવનની વિદ્યાર્થિનીએ મહિલા અધ્યાપિકા સામે જાતીય સતામણીની ફરિયાદ કરતો લેટર વાઇરલ થતા ખળભળાટ મચી ગઈ છે. મહિલા અધ્યાપિકા ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેના સંબંધો રાખવાની વાત કરતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ મહિલા અધ્યાપિકા ઉપર એક પ્રોફેસરના ચાર હાથ હોવાથી કંઈ પણ થઈ શકતું નથી, તેઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ભવનના અધ્યક્ષનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીની જાતીય સતામણી થયાનો લેટર વાઇરલ થયાની ચર્ચા ઉઠતા સ્ટાફ મિટિંગ બોલાવવામાં આવી હતી. પરંતુ આ પ્રકારની કોઈ જ ફરિયાદ કે ઘટના બની નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ભવનના વાઇરલ થયેલા લેટરમાં લખાયું છે કે, જયભારત સાથે જાણવાનું કે, હું ……ભવનની વિદ્યાર્થિની છું. અમારા વિભાગમાં છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીનિઓ સાથે જાતીય સતામણી કરવામાં આવે છે. ટીચર અને સ્ટુડન્ટના સંબંધો હોય તેવી રીતે વાતો મહિલા અધ્યાપિકા કરે છે અને ગર્લ્સના બીભત્સ ફોટા પાડ્યા હતા. અમારા મેડમ માનસિક હોય એવું લાગે છે. મહિલા અધ્યાપિકાએ કહ્યું તેમ કરવાની મેં ના પાડી તો મારી હાજરી અને ઇન્ટર્નલ માર્કસ ઉપર અસર પડશે, તેમ કહેવામાં આવ્યું હતું. આ વાત અમે યુનિવર્સિટીના ફરિયાદ બોક્સમાં નાખેલી છે, પરંતુ અમારી ફરિયાદ કોઈ લેતું નથી.
આ સાથે જ આ લેટરમાં લખાયું છે કે, મેડમ મન ફાવે તમે બોલે છે. અમારા માનસ પર ગંભીર માનસિક અસર થાય છે. આ વાત અમે પૂર્વ પ્રોફેસરને પણ કરી હતી, પરંતુ તેમણે કહ્યું કે, PG સ્ટુડન્ટ છો, મજા મજા કરો. યુનિવર્સિટીમાં શારીરિક અને માનસિક રીતે જસ્ટ એન્જોય કરો. અમે લેબ અને ઇન્ટરનલ માર્ક પણ મૂકી દેઈશું. તમે અમને મજા કરાવો, અમે તમને મજા કરાવીએ. આવી વાત અમે મારા ભાઈ કે બહેન કે પિતાને કરી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અમારા માટે જેલ બની ગઈ છે. મને કંઈ થશે તો આ લોકો જવાબદાર રહેશે. ભવનના પ્રોફેસરને વિનંતી છે કે, મેં કંઈ કર્યું નથી, પણ આવી રીતે મને હેરાન કરવામાં આવે છે. હવે મારા માટે છેલ્લી આશા છે કે, મને ન્યાય મળે.