રાજકોટ શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થા ખૂબ જ ખામીયુક્ત છે જેને લઈને શહેરીજનોને ભોગવવું પડે છે. અપૂરતું અને અનિયમિત પાણી આવે છે તે માંડ ચલાવી લેવામાં આવે છે ત્યારે હવે ગંદાપાણીની ફરિયાદો વધી છે જેથી જનઆરોગ્ય જોખમાયું છે. હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં શહેરના અમુક વિસ્તારમાં પાણીના ધાંધિયા શરૂ થતાં લોકોમાં રોષ ફેલાયો છે.
શહેરના મવડી વિસ્તાર, યુનિવર્સિટી રોડ, માધવ પાર્ક, પંચાયતનગર, શારદાનગર સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી દુર્ગંધવાળું અને ડહોળુ પાણી આવી રહ્યું છે. પાણીની લાઈનમાં ડ્રેનેજમાં ગંદાપાણી ભળ્યાની પૂરી શક્યતા છે તેથી ડ્રેનેજની લાઈન ક્યાં લીક છે તેમજ પીવાના પાણીની લાઈન ક્યા લીક છે તે ચકાસવાની ખાસ જરૂર છે. આ મામલે કોંગ્રેસ આગેવાન તુષાર પાણેરીએ ફરિયાદ નોંધાવી હતી તે તમામ એકત્ર કરીને વોર્ડ એન્જિનિયરને આપવામાં આવી હતી તો ઈજનેરો દ્વારા સ્થાનિક આગેવાનોને ઉદ્ધતાઈભર્યા જવાબો આપવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ કર્યા છે.
મનપાનો એવો બચાવ છે કે, વિસ્તારમાં લાઈન ખૂબ જૂની થઈ ગઈ છે એટલે જ નવી ડી.આઈ. લાઈન નાખવામાં આવી રહી છે તે પ્રોજેક્ટ પૂરો થશે એટલે ઓછું અને ગંદું પાણી ભૂતકાળ બની જશે અને બધાને 20 મિનિટ પૂરા ફોર્સથી પાણી મળશે.