સટ્ટાકીય ટ્રેડિંગને રોકવા માટે સેબીએ લઘુત્તમ કોન્ટ્રાક્ટ સાઇઝમાં વધારો કરીને- વિકલ્પ પ્રીમિયમના અપફ્રન્ટ કલેક્શનને ફરજિયાત કરીને ઇક્વિટી ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટે એક કડક માળખું મૂક્યું છે. અન્ય પગલાંમાં પોઝિશન લિમિટનું ઇન્ટ્રા-ડે મોનિટરિંગ, એક્સપાયરી ડે પર કેલેન્ડર સ્પ્રેડ બેનિફિટ દૂર કરવું, સાપ્તાહિક ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝનું તર્કસંગતીકરણ અને ટેલ રિસ્ક કવરેજમાં વધારોનો સમાવેશ થાય છે.
રોકાણકારોનું રક્ષણ કરવા અને બજારની સ્થિરતા જાળવવાના હેતુથી, ખાસ કરીને એક્સપાયરી ડે પર ઈન્ડેક્સ ઓપ્શન્સ ટ્રેડિંગના ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં આ પગલાં 20 નવેમ્બરથી તબક્કાવાર રીતે અસરકારક બનશે એમ સેબીએ તેના પરિપત્રમાં જણાવ્યું હતું.
સેબીના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે F&O સેગમેન્ટમાં 1 કરોડથી વધુ વ્યક્તિગત વેપારીઓમાંથી 93 ટકાએ FY22 અને FY24 વચ્ચે સરેરાશ રૂ.2 લાખ (ટ્રાન્ઝેક્શન ખર્ચ સહિત) ગુમાવ્યા છે. આ સમયમાં ટ્રેડર્સની કુલ ખોટ રૂ. 1.8 લાખ કરોડને વટાવી ગઈ છે. સેબીએ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટે લઘુત્તમ કોન્ટ્રાક્ટનું કદ રૂ. 5-10 લાખથી વધારીને રૂ. 15-20 લાખ કર્યું છે, જે છેલ્લે 2015માં સેટ કરવામાં આવ્યું હતું. આનો ઉદ્દેશ્ય બજારની વૃદ્ધિ સાથે વધુ સારી રીતે ગોઠવણી કરવાનો હતો.