રાજકોટમાં યાજ્ઞિક રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર સ્ક્રેપનો વેપાર કરતા યુવકને કચ્છમાં લીઝ પર સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી એક મહિલા સહિત અમદાવાદની ત્રિપુટીએ દોઢ કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી એકની ધરપકડ કરી વધુ આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
અજય એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર આકાંક્ષા કોમ્પ્લેક્સમાં ઓફિસ રાખી શ્રીપદ્મ કોર્પોરેશન નામની પેઢીમાં સ્ક્રેપના માલનું કમિશનનું કામ કરતા ભાર્ગવભાઇ ધીરૂભાઇ જોષીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે અમદાવાદનો મધુર અશોકભાઇ અગ્રાવત, પ્રફુલ જગદીશભાઇ અગ્રવાલ અને મીતલબેન રિતેશભાઇ પટેલના આરોપી તરીકે નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં તેના ઓળખીતા જૂનાગઢના જયદેવભાઇ નિમાવત મારફતે મધુર અગ્રાવત સાથે પરિચય થયો હતો અને ધંધા બાબતે મધુર સાથે ફોનમાં વાતચીત થતી હતી.
દરમિયાન મધુરે વાત કરી હતી કે, કસ્ટમ વિભાગમાં આપણા ઓળખીતા છે. હું તમને અેક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા માટેનું લાઇસન્સ કઢાવી આપીશ અને કંડલા (કચ્છ) ખાતે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું યુનિટ ભાડા પેટે રાખવાની વાત થતી હોય જેથી મધુરભાઇઅે લાઇસન્સ કઢાવી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ મધુરભાઇઅે તેને ફોન કરી અમદાવાદમાં ધીરેન રાવલ કસ્ટમના અધિકારી છે અને મારા ઓળખીતા હોય તમારા લાઇસન્સ તેમજ યુનિટ ભાડા પેટે રાખવાની વાત કરી અને તે અપાવી દેશે અને આ પ્રક્રિયામાં તમારે દોઢેક કરોડનો ખર્ચ થશે તેમ વાત કરી હતી. બાદમાં મધુરભાઇનો ફોન આવ્યો હતો અને તેને અમદાવાદમાં કસ્ટમના અધિકારીને મળવા જવાનું છે. જેથી ભાર્ગવભાઇ અમદાવાદ પ્રેરણા તીર્થ ગયા હતા અને મધુરભાઇએ ધીરેનભાઇ સાથે ઓળખાણ કરાવી હતી અને તમારું કામ કરી આપીશ તેમ કહ્યું હતું. આથી મીતલ પટેલના ખાતામાં 25 લાખ, કસ્ટમ અધિકારી ધીરેન રાવલના ખાતામાં એક કરોડ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. વેપારીએ તપાસ કરતા કસ્ટમ અધિકારી ધીરેનભાઇના ખોટા નામે પ્રફુલ આવ્યો હતો અને તેને અને મધુરે તેની પાસેથી કટકે-કટકે કુલ રૂ.1.50 કરોડની ઠગાઇ કરી હોવાનું જણાવતા પીએસઆઇ આર.કે. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.