કાટમાળ નીચે અનેક લોકો દટાયા, 4 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં, 35,000 ઘરમાં વીજળી ડૂલ

નવા વર્ષના પહેલા દિવસે જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનના NHK બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે જાપાનના સમુદ્રકિનારે નિગાટા, તોયામા, યામાગાટા, ફુકુઇ અને હ્યોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાનમાં ભૂકંપના કેન્દ્રની નજીકના તમામ મુખ્ય હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે, જોકે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ દરમિયાન વજીમા શહેરમાંથી સુનામીના પ્રથમ સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અહીં લગભગ 4 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં છે. જાપાનના સમય મુજબ સાંજે 4.21 વાગ્યે આ ઊંચાં મોજાં જોવા મળ્યાં હતાં. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. કેટલીક જગ્યાએ એક મીટરથી ઓછી ઊંચાઈનાં મોજાં જોવા મળ્યાં હતાં.

અધિકારીઓ અનુસાર, 5 મીટર (16 ફૂટ) ઊંચાં મોજાં આવી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

વજીમા શહેરમાં એક ઈમારત પડી જવાના સમાચાર પણ છે. તેના કાટમાળ નીચે છ લોકો દટાયા છે. આ શહેરનાં 35,000 ઘરમાં વીજળી નથી.

આગામી દિવસોમાં ખતરો વધશે
જાપાનની મેટ્રોલોજીકલ એજન્સીએ સોમવારે સાંજે કહ્યું કે આગામી દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં આવો જ ભૂકંપ આવવાની સંભાવના છે. તેથી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

લોકો વજીમા શહેરમાં તેમના ઘર છોડીને ગયા
વજીમા શહેરના લોકો તેમના ઘર છોડીને ઊંચા સ્થળોએ જવા લાગ્યા છે. આમાં બચાવ ટીમ તેમની મદદ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *