પડધરીમાં આંગડિયા પેઢીના કર્મચારીનુું રોકડા રૂ.6.90 લાખની મતા સાથેનું સ્કૂટર તસ્કર હંકારી ગયો હતો. કર્મચારી રોકડ સાથેનું સ્કૂટર પાર્ક કરી મોબાઇલનું રિચાર્જ કરાવવા ગયો અને પંદર મિનિટમાં પરત ફર્યો ત્યાં સ્કૂટર ગાયબ થઇ ગયું હતું.
રાજકોટમાં રૈયા સર્કલ પાસેના ત્રિનિટી ટાવરમાં રહેતા અને પડધરીમાં પીએમ આંગડિયા પેઢી ચલાવતાં પરાગભાઇ ચંદ્રકાંતભાઇ ચગે (ઉ.વ.30) પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરાગભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પેઢીમાં સકીલ સુલતાન દલ નોકરી કરેે છે અને પેઢીમાં જે રકમ આવે તે આપવા જવાનું કામ સકીલ સંભાળે છે.
ગત તા.24ની રાત્રીના સાડા આઠેક વાગ્યે સકીલ સ્કૂટરની ડેકીમાં રૂ.6.90 લાખ મૂકીને સ્કૂટર લઇને પડધરીમાં રકમ દેવા જવા નીકળ્યો હતો. રસ્તામાં રઝવી મોબાઇલ નામની દુકાન આવતાં સકીલે દુકાનની બહાર સ્કૂટર પાર્ક કર્યું હતું. 15 મિનિટ બાદ પરત ફર્યો ત્યારે સ્કૂટર ગાયબ હતું.