ભારે વરસાદને પગલે આજે સતત બીજે દિવસે શાળાઓમાં રજા જાહેર

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી મુજબ રવિવારે રાતથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરી હતી. હજુ આગામી 24 કલાક અતિભારે વરસાદની સંભાવના પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ 28 ઓગસ્ટને બુધવારે પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. મંગળવારે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી સાથે રાજ્યના શિક્ષણ વિભાગે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરી હતી જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ હોવાથી બુધવારે પણ શાળાઓમાં રજા જાહેર કરવા નિર્ણય કર્યો છે.

રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારે પણ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને મેસેજ કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરી છે. ભારે વરસાદને કારણે શહેરની કેટલીક શાળાઓએ સરકાર જાહેર કરે તે પહેલાં જ વાલીઓને મેસેજ કરીને બુધવારે શૈક્ષણિક કાર્ય બંધ હોવાની જાણ કરી દીધી હતી. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, દરરોજ વરસાદની પરિસ્થિતિનું અવલોકન કર્યા બાદ શાળાઓમાં રજા અંગેનો નિર્ણય લઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *