જો આપનું બાળક સ્કૂલવાનમાં શાળાએ જાય છે તો તેમના ઉપર પૂરતી નજર રાખજો કારણ કે રાજકોટ શહેરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં દુષ્કર્મ અન્ય કોઈ વ્યક્તિએ નહિ પરંતુ બાળકીને ઘરેથી શાળા અને શાળાએથી ઘરે લઇ આવતા જતા સ્કૂલ વેનના ચાલકે જ આચર્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના કાલાવડ રોડ પર રહેતી અને ઘોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને વાનચાલકે પ્રેમજાળમાં ફસાવી રવિવારે એક્સ્ટ્રા ક્લાસના દિવસોમાં શાળાના બદલે હોટલમાં લઇ જઇ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ આ અંગતપળોના વીડિયો બનાવી તેને ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટમાં મોકલી બાદમાં વાઇરલ કરવાની ધમકી પણ આપતો હતો.પરિવારજનોને શંકા જતા ફોન તપાસતા ભાંડો ફુટયો હતો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાલ યુનિવર્સીટી પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો તેમજ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં રહેતી અને ઘોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાછળ આવેલા કવાર્ટરમાં રહેતો અને સ્કુલવાન ચલાવતો સેફ ઈલીયાઝ મેમણ નામના શખસની વાનમાં સ્કૂલે જતી હોવાથી શખસને છાત્રા સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતા હતા અને બન્ને વચ્ચે ગાઢ સંબંધ થતા શખસે તેનો લાભ લઈ છાત્રાને લગ્નની લાલચ આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહિ આ સમયે આરોપી દ્વારા તેના વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા અને પછી આ વિડીયો તેને ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટ મારફત મોકલી બાદમાં વાઇરલ કરવા પણ સગીરાને ધમકી આપતો હતો.
સગીરાનો ફોન માતાપિતાએ તપાસતા સમગ્ર ઘટના સામે આવી હતી અને તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જેના આધારે યુનિવર્સીટી પોલીસે આરોપી સેફ ઈલીયાઝ મેમણ વિરુધ્ધ BNSની કલમ 64(2)(M), 87, 137(2), આઇટી એક્ટની કલમ 66(E), અને પોક્સો એક્ટની કલમ 4,6, અને 12 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા છેલ્લા એક મહિનાથી સગીરા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તેમજ આ સમયે બનાવેલા વીડિયો વાઇરલ કરવા ધમકી આપતો હોવાનું સામે આવ્યું છે.