રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા નંબર 93ના પ્રિન્સિપાલ દ્વારા સ્કૂલ કેમ્પસમાં ચાલતી આંગણવાડીમાં આવતા ભૂલકાને ફૂલ તોડવા જેવી મામૂલી બાબતે ગાલમાં ચિટીયો ભરી લાફો મારી દીધાના આક્ષેપો થતા ચકચાર પ્રસરી છે. શાળામાં ચાલતી આંગણવાડી સ્કૂલના આચાર્યને પસંદ ન હોવાથી અને સ્કૂલ તથા આંગણવાડીના ટોઇલેટ કોમન હોવાથી આચાર્ય દ્વારા ત્રાસ અપાતો હોવાના આક્ષેપો થયા છે. ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા આજે વાલીઓને સાથે રાખી આચાર્યને રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટના આકાશવાણી ચોક પાસે આવેલી શિવ શક્તિ શાળા નંબર 92ના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન જાગોદડિયાએ જણાવ્યું હતું કે, આ શાળામાં ધોરણ 1થી 8માં 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ જ શાળાના કેમ્પસમાં આંગણવાડી આવેલી છે જેમાં 40 બાળકો છે. જોકે શાળા અને આંગણવાડીના બાળકો માટે કોમન ટોયલેટ છે. આંગણવાડી દ્વારા નાના બાળકોને એક પછી એક ટોયલેટમાં લઈ જવાને બદલે એક સાથે ત્યાં લઈ જવામાં આવે છે જેને લીધે સમસ્યા થાય છે અને અમે કોઈ વખત વિદ્યાર્થીનો કાન આમળીએ કે ગાલમાં ચિટીયો ભરીએ તો તેને માર્યું ન કહેવાય.