રાજ્ય સરકાર દ્વારા વેકેશન ખૂલતા પૂર્વે શાળા પ્રવેશોત્સવ તા.18થી 20 દરમિયાન યોજવાની જાહેરાત અગાઉ કરીહતી, પરંતુ ગ્રામપંચાયતોની ચૂંટણીના કારણે આચારસંહિતા અમલી બનતા આ કાર્યક્રમ મોકૂફ રખાયા બાદ હવે નવી તારીખો જાહેર કરી છે અને તે મુજબ ગ્રામપંચાયતોની ચૂંટણી 22મીએ યોજાઇ જાય અને તેનું પરિણામ જાહેર થયા બાદ તા.26થી 28 જૂન સુધી દરેક જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ યોજવાની જાહેરાત કરી છે અને તેમાં આ વખતે માધ્યમિક પ્રવેશ પર વિશેષ ભાર મૂકાયો છે.
રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ઇન્ચાર્જ ડીઇઓ દીક્ષિત પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હવે આગામી તા.26, 27 અને 28ના રોજ યોજવાનો છે. જેના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા અને કુબેર ડીંડોરે તમામ જિલ્લાના ડીઇઓ, ડીપીઇઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં શાળા પ્રવેશોત્સવના નવા કાર્યક્રમ સંદર્ભે માહિતી આપવામાં આવી હતી. આગામી તા.26થી 28 સુધી યોજાનાર શાળા પ્રવેશોત્સવ બાલવાટિકા, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે ઉજવાશે.
અધિકારીઓ અને પદાધિકારીઓ ગામે-ગામ જઇને શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે અને આ વખતે માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટનો રેશિયો ઘટાડવા માટે ધો.9 અને 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર વધુ ભાર મૂકવાનો નિર્ણય કરાયો છે. અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓને ભણાવવા સરકાર ઉત્સુક છે અને તેના માટે આ નિર્ણય કર્યો છે. સરકાર અને ગ્રાન્ટેબલ શાળાઓના સંચાલનમાં લોક ભાગીદારી રહે તે માટે શાળા વ્યવસ્થાપન સમિતિ સંપૂર્ણ સક્રિય કરવામાં આવશે.