1 જુલાઈએ નેશનલ ડૉક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) મેડિકલ (MBBS) ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ બની છે. છેલ્લા 6 વર્ષ દરમિયાન આ યોજના હેઠળ ગુજરાતની 25,768 વિદ્યાર્થિનીને ડૉક્ટર બનવા માટે રૂ.772 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ 2024-25માં રાજ્યની તબીબી શાખાની 5155થી વધુ વિદ્યાર્થિનીઓને હેઠળ રૂ.162.69 કરોડની શિષ્યવૃત્તિ આર્થિક સહાયરૂપે મળી છે.
મેડિકલ (MBBS) ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માગતી ગુજરાતની દીકરીઓનું તબીબી શિક્ષણ આર્થિક મુશ્કેલીઓને લીધે અટકે નહીં, તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના’ (MKKN) અમલી બનાવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે, આજે રાજ્યમાં અસંખ્ય મહત્ત્વાકાંક્ષી ‘વ્હાઈટ-કોટ’ મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના સપનાંને સાકાર કરી રહી છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ રૂ.6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ કે જેઓ ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર આર્થિક સહાય ચૂકવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની 25,768 વિદ્યાર્થિનીને ડૉક્ટર બનવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.772 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.