શિક્ષણ અને મજૂર વિભાગ દ્વારા પ્રાથમિક- માધ્યમક શિક્ષણ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ જાહેર કરાયો છે. પરંતુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં કેટલી રકમ ચુકવાશે તે હજુ નક્કી કરાઇ નથી. આ પરીક્ષા માટેનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી 28 માર્ચથી 06 એપ્રિલ સુધી થશે. પ્રાથમિકમાં મેરીટમાં આવનાર 1000ને તેમજ માધ્યમિકમાં મેરીટમાં આવનાર 2900 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે.
રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામામાં પરીક્ષા માટે 06 એપ્રિલ સુધી ઓનલાઈન આવેદનપત્રો ભરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પરીક્ષા માટે 07 એપ્રિલ સુધી ઓનલાઈન ફી ભરવાની મુદ્દત આપવામાં આવી છે. ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 26 એપ્રિલે શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ-5માં 50 ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોય અને હાલમાં ધોરણ-6માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ-8માં 50 ટકા ગુણ મેળવેલા હોય અને ધોરણ-9માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.
જો પરીક્ષા માટે કોઈ વિદ્યાર્થી દ્વારા ખોટી વિગત દ્વારા ફોર્મ ભર્યું હોવાનું જણાશે તો તેને ગેરલાયક ઠેરવી કાર્યવાહી કરાશે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ-6નો માર્ચ-25 સુધીનો અભ્યાસક્રમ રહેશે. જ્યારે માધ્યમિક માટે ધોરણ-9નો માર્ચ-25 સુધીનો અભ્યાસક્રમ રહેશે. પરીક્ષાના પ્રશ્નપત્રમાં ભાષા- સામાન્ય જ્ઞાનના 60 ગુણના 60 પ્રશ્નો પૂછાશે. જ્યારે ગણિત-વિજ્ઞાનના 60 ગુણના 60 પ્રશ્નો પૂછાશે. આમ, 120 ગુણની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 120 મિનિટનો સમય મળશે. પ્રાથમિક અને માધ્યમિકની શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની ફી રૂ. 100-100 નક્કી કરી છે.