TRP અગ્નિકાંડમાં સિવિલમાં કોરોનાથી પણ બિહામણા દ્રશ્યો

રાજકોટનાં કાલાવડ રોડ નજીક ગત 25મેનાં શનિવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. દુર્ઘટના બાદ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલ રાતભર ધમધમતી રહી હતી. ખુદ સિવિલ અધિક્ષક ડો. આર એસ ત્રિવેદી સહિતનો તમામ સ્ટાફ પણ રાતભર ખડેપગે રહ્યો હતો. ત્યારે આ દુર્ઘટના અંગે તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાથી પણ બિહામણા દ્રશ્યો જોવા મળ્યા હતા. 100 બેડ તૈયાર હોવા છતાં સારવારનો અવકાશ જ રહ્યો નહોતો. તો ગંભીર રીતે દાઝેલા મૃતદેહ જોઈ મહિલા સ્ટાફનાં રૂંવાડા ઉભા થઇ ગયા હતા.

સિવિલ અધિક્ષક ડો. ત્રિવેદીએ જણાવ્યું કે, રાજકોટમાં 25મેનાં શનિવારે બનેલી આગની ઘટના ખૂબ જ હૃદયવિદારક અને દુઃખદ હતી. 8 વાગ્યા સુધીમાં દસેક લોકોના મોત હોવાનું સામે આવતા સિવિલ હોસ્પિટલ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગાંધીનગરનાં આરોગ્ય વિભાગ દ્વારા મળેલી સૂચના મુજબ 100 બેડ સાથે જ ડૉક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. રાત્રે 8:30 સુધીમાં તમામ વિભાગના એચઓડી અને સ્ટાફ તેમજ હું પણ અહીં પહોંચી ગયો હતો.

અંદાજે 8:45 કલાકે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ મૃતદેહ આવ્યો હતો. જેને જોઈને સમગ્ર સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. જોકે, પોસ્ટમોર્ટમ ટીમને એલર્ટ કરવામાં આવતા તરત જ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને બાદમાં સતત એક પછી એક મૃતદેહો આવવા લાગ્યા હતા. જેને પગલે રાજ્યના આરોગ્ય વિભાગની સૂચના મુજબ જામનગર, મોરબી અને ભાવનગરની ટીમો પણ દોડી આવી હતી. મૃતદેહો એટલી ભયાનક સ્થિતિમાં હતા કે જેને જોઈને મહિલા સ્ટાફનાં રૂંવાડાઓ ઉભા થઇ ગયા હતા. અને અમુક મહિલાની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *