SC તારીખ પે તારીખવાળી કોર્ટ નહીં બને : CJI

ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે શુક્રવાર 3 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોના નિરાકરણમાં વિલંબ અને સુનાવણી ટાળવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. CJIએ વકીલોને કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે આ (સુપ્રીમ કોર્ટ) તારીખ પે તારીખવાળી કોર્ટ બની જાય.

તેમણે કહ્યું હતું કે દરરોજ સરેરાશ 154 કેસ ટાળવામાં આવે છે. જો આટલા બધા કેસો મુલતવી રહે છે (મુલતવી રાખવા અથવા ટાળવા) તો એ કોર્ટની સારી છબિને દર્શાવતું નથી.

આ સાથે જ CJIએ વકીલોને પણ અપીલ કરી કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી સુનાવણી મુલતવી રાખવાની માગ ન કરો.

હકીકતમાં CJI ચંદ્રચૂડે એક કેસની સુનાવણી દરમિયાન હાજર રહેલા વકીલ તરફથી એડજર્નમેન્ટ કરવાની માગ પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટ લિસ્ટેડ કેસોની સતત સુનાવણી કરી રહી છે અને આ કેસોમાં મહત્તમ એડજર્નમેન્ટની માગણી કરવામાં આવે છે.

CJIએ કોર્ટમાં એડજર્નમેન્ટના કેસો વિશે ડેટા એકત્રિત કર્યા. આ ડેટાનું વિશ્લેષણ કરતાં તેમણે શુક્રવારે કોર્ટને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જ 3,688 વખત સુનાવણી ટાળવાની માગણી કરવામાં આવી હતી. આજે જ એટલે કે 3જી નવેમ્બરે 178 કેસની સુનાવણી ટાળવાની માગ કરવામાં આવી હતી. દરરોજ સરેરાશ 154 કેસ એડજર્ન થાય છે.

તેમણે કહ્યું હતું કે હું કોર્ટમાં કેસ દાખલ થવાથી લઈને પ્રથમ સુનાવણી માટે આવે ત્યાં સુધી પ્રક્રિયા પર નજર રાખી રહ્યો છું, જેથી ન્યાય મેળવવા માટે ઓછામાં ઓછો સમય લાગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *