સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 એપ્રિલ, 2017 માં રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલો 7 ફૂટ ઉંડો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ શોભાના ગાંઠીયા સમાન બની ગયો છે. અહીં દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કોચે અગાઊ રાજીનામું આપી દેતા છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પૂલ બંધ છે. ઉનાળામાં પણ સ્વિમિંગ પૂલ શરૂ થાય તેવી કોઈ જ શક્યતા નથી.
આ બાબતે યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકે કહ્યુ કે સ્વિમિંગ પૂલના મેઇન્ટેનન્સ માટેનો વાર્ષિક ખર્ચ રૂ. 35 લાખ થાય છે અને તેની સામે આવક રૂ. 5 લાખ હોવાથી સ્વિમિંગ પૂલ બંધ છે. આ ઉપરાંત અહીં આવેલા આઉટડોર સ્વિમિંગ પૂલમાં 28 લાખ લીટર તો ઇન્ડોર સ્વિમિંગ પુલમાં 7 લાખ લિટર પાણીની જરૂરિયાત પરિપૂર્ણ કરવી પણ મુશ્કેલ બની છે. જોકે અહીં કોચની નિમણૂક કરવામાં આવે અથવા તો ખાનગી સંસ્થાને ચલાવવા માટે ભાડે આપવાનું વિચારી રહ્યા છીએ. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે આ સ્વિમિંગ પૂલ જ્યારે નિર્માણ થયું ત્યારે તેમાં સ્લોપ એટ્લે કે ઢાળ બનાવવામાં આવ્યો ન હતો. એટ્લે કે ભૂલ રહી ગઈ હતી. જેથી આ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ શીખી શકાતું નથી પરંતુ શિખાઉ સ્વિમર પ્રેક્ટિસ કરી શકે છે. જેથી હવે સ્લોપ બનાવવા માટે વધુ રૂ. 15 લાખનો ખર્ચ થાય તેમ છે. આ સ્વિમિંગ પૂલ વોટર પોલો ગેમ માટે જ કામનો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનુ એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન પણ કોચના અભાવે બંધ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરેશ રાબાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2017 માં રૂ. 10 કરોડનાં ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવામાં આવેલું છે. જોકે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પુલની કેપેસિટી વધુ હોવાથી ઉપરાંત મેન્ટેનન્સ ચાર્જ વધુ હોવાથી સ્વિમિંગ પૂલ 6 મહીનાથી બંધ છે. આગામી સમયમાં પુલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધાઓ યોજાય અને સ્વિમિંગપુલ નો વધુમાં વધુ ઉપયોગ થાય તે પ્રકારના પ્રયાસો છે.