રાજકોટ કરારી પ્રોફેસરોને પગાર ચૂકવવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પૈસા નથી!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ‘એ’માંથી ‘બી’ ગ્રેડ થઇ જતા કેન્દ્ર સરકારની જુદી જુદી અનેક ગ્રાન્ટ બંધ થઇ ગઈ છે, પરંતુ રાજ્ય સરકારમાંથી જે ગ્રાન્ટ આવી રહી છે તેમાં પણ અણઘડ વહીવટને કારણે નાણાં પૂરા થઇ ગયા પરંતુ કરારી પ્રોફેસરોને પગારના પૈસા ન ચૂકવી શકાયા. યુનિવર્સિટીના જુદા જુદા ભવનમાં ફરજ બજાવતા 57 જેટલા પ્રોફેસરોને છેલ્લા બે માસનો પગાર નહીં ચૂકવતા રોષ ફેલાયો છે. અધ્યાપકોને ચૂકવવાના પગારનું અગાઉથી પ્લાનિંગ કરીને બજેટની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોના અણઘડ વહીવટથી અનેક ભવનના કોન્ટ્રાક્ટ આધારિત પ્રોફેસરો બે મહિનાથી પગારથી વંચિત રહ્યા છે. આ ઉપરાંત ભવનમાં કામ કરતા સ્વિપરના બિલ, કરારી પ્રોફેસરના પગારના બિલ સહિતના અનેક બિલ બધા ભવનોને પાછા મોકલી દેવાયા છે. ‘યુનિવર્સિટી પાસે હાલ ગ્રાન્ટ નથી’ એવું કહીને તમામ બિલ ભવનોને પરત મોકલી દેવાયા છે.

યુનિવર્સિટીના ભવનોમાં ફરજ બજાવતા આશરે 57 જેટલા કરાર આધારિત પ્રોફેસરોને એપ્રિલ અને મે માસ એમ બે મહિનાનો પગાર નહીં ચૂકવવામાં આવતા કેમ્પસમાં ચારેબાજુ ચર્ચા થઇ રહી છે અને સત્તાધીશોના અણઘડ વહીવટ સામે પણ રોષ ફેલાયો છે. કરારી પ્રોફેસરોને પ્રતિમાસ હાલ રૂ. 40 હજાર પગાર ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત ભવનના સ્વિપર સહિત અન્ય બિલ પણ ગ્રાન્ટ નહીં હોવાને કારણે દરેક ભવનોને પરત મોકલી દેવાયા છે.

યુનિવર્સિટીમાં રાજ્ય સરકારની તબક્કાવાર ગ્રાન્ટ આવી રહી છે. આ ઉપરાંત યુનિવર્સિટીના બજેટમાં પણ અધ્યાપકોના પગાર સહિતના ખર્ચની અગાઉથી જોગવાઈ કરી હોય છે. સરકારમાંથી બજેટના આધારે ગ્રાન્ટ મળે છે, પરંતુ ગ્રાન્ટનો ઉપયોગ કઈ જગ્યાએ અને કેવી રીતે કરવો તેની વહીવટી કુશળતાના અભાવે પહેલીવાર એવું બન્યું છે કે, વિદ્યાર્થીઓને વિદ્યા આપતા પ્રોફેસરોને જ પગાર આપવા માટે યુનિવર્સિટી પાસે પૈસા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *