હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક અત્યંત ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગત વર્ષ (2023)ના જૂન મહિનાની સરખામણીએ આ વર્ષે (2024) જૂન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રમાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. એમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યુ છે. આ સાથે જ એક ટ્રફ મધ્ય ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ સુધી લંબાય છે, જેને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ફક્ત 4થી 5 કલાકમાં અમદાવાદ શહેરમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.