સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટ શહેરના નાગરિકો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને હૃદયરોગની સારવાર માટે હવે અમદાવાદ સુધી જવાની જરૂર નહીં પડે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજે (8 જુલાઈ, 2025) હૃદયરોગ સંબંધિત ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી શરૂ કરવામાં આવી છે, જે સૌરાષ્ટ્ર-કચ્છના હૃદયરોગના હજારો દર્દીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડિંગના પહેલા માળે આ હૃદયરોગ ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાંથી હૃદયરોગના દર્દીઓને નિદાન-સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી લાંબા થવું પડતું હતું, જેમાં સમય અને નાણાંનો વ્યય થતો હતો. આ નવી સુવિધા શરૂ થતાં દર્દીઓને ઘર આંગણે સરકાર દ્વારા આયોજિત આ ફ્રી સુવિધાનો લાભ મળશે, જેનાથી તેમની મુશ્કેલીઓ મોટા પ્રમાણમાં ઓછી થશે.
OPDનો સમય અને ઉપલબ્ધ સેવાઓ આ ઓ.પી.ડી. સોમવારથી શનિવાર સુધી સવારે 9 કલાકથી બપોરના 1 કલાક સુધી કાર્યરત રહેશે. આ ઉપરાંત, બપોરે 4 કલાકથી 5 કલાક દરમિયાન ફોલોઅપ ઓ.પી.ડી. પણ કરવામાં આવશે. રવિવાર અને જાહેર રજાઓને બાદ કરતાં કાર્યકારી દિવસોમાં આ સેવાનો લાભ મેળવી શકાશે. આ સેન્ટરમાં હૃદયરોગ સંબંધિત નિદાન કરવામાં આવશે અને જરૂર પડ્યે આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવશે.