હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ સટાસટી બોલાવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એની સામે ઉત્તર અને મધ્ય ગુજરાત હજુ પણ વરસાદ માટે ઝંખી રહ્યું છે. આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, સાથે જ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 17% વરસાદની ઘટ નોંધાઈ છે. એની સામે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તેથી સૌરાષ્ટ્ર-કચ્છમાં 22 જુલાઈ સુધીમાં સીઝનનો 52 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એક જૂનથી લઈને 22 જુલાઈ સુધીમાં સરેરાશ 14.5 ઇંચ વરસાદ થવો જોઈએ, જેની સામે અત્યારસુધીમાં 17% ઓછો વરસાદ થયો છે.