રાજકોટના જામનગર રોડ ઉપર આવેલી કોસ્મિક વિદ્યા સંકુલના મેદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરના 12 જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓ માટે સ્થાનિક ભંડોળ હિસાબ કચેરી દ્વારા હિસાબી પરિવાર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં લોકોનો હિસાબ કિતાબ રાખતા અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના પરિવાર મળી 100 લોકોએ સંગીત ખુરશી અને લીંબુ ચમચી રમી બાળપણને વાગોળ્યું હતું.
આ રમતોત્સવમાં ભાઈઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ, જુનાગઢ-પોરબંદર-સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર-બોટાદ, ભાવનગર, અમરેલી, કચ્છ, અને જામનગર-દેવભૂમી દ્વારકા એમ થઈને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની આઠ ટીમોએ ભાગ લીધો હતો. તમામ ટીમોના બેટ્સમેન રન બનાવવા ભારે મહેનત કરતા જોવા મળ્યા હતા તો બીજી બાજુ બોલરોએ કરેલા પ્રયાસોના લીધે એકદમ અનુભવી ખેલાડીઓની વિકેટ્સ પણ હાથમાંથી જતી જોવા મળી હતી. તમામ મેચ એકદમ રસાકસીભર્યા જોવા મળ્યા હતા.