રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ પહેલેથી જ જીભના ચટકા લેવામાં શોખિન છે. સૌથી વધુ પાન-માવા, સિગારેટના શોખિનો સૌરાષ્ટ્રમાં જોવા મળે છે પરંતુ આ વ્યસન મોતના મુખ સુધી લઇ જતા વાર લાગતી નથી. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રમાં મેડિકલ સ્ટોર કરતા પાન-માવાની દુકાનો વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે જ્યારે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી.
કેન્સરના નિષ્ણાત તબીબોનું માનવું છે કે બદલાતી લાઈફ સ્ટાઇલ અને એડિક્ટના કારણે કેન્સરનું પ્રમાણ યુવાવસ્થામાં વધી રહ્યું છે. યુવાનો માત્ર 11-12 વર્ષની ઉંમરે તમાકુ અને ગુટકા સેવન કરવાનું શરૂ કરી દેતા તેઓ કેન્સરનો શિકાર બની જાય છે. સૌરાષ્ટ્રમાં દર વર્ષે 5000 નવા કેન્સરના કેસ નોંધાય છે જેમાં 90% કેસ તમાકુ સેવનથી થતા હોવાનું તબીબોનું માનવું છે અને તેમાં પણ છેલ્લા એક દોઢ વર્ષથી લગભગ 20થી 25% યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. નીતિન ટોળીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પાન મસાલાનું વ્યસન વધારે હોવાથી મો, ગળાના, જીભના, ગલોફાના, જડબાના તેમજ અન્નનળી અને ફેફસાના કેન્સરનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. એવું નથી કે પુરુષોમાં પરંતુ મહિલાઓમાં પણ મો, ગળાના કેન્સરના કેસ જોવા મળે છે. આ કેન્સર પાછળનું મુખ્ય કારણ તમાકુનું વ્યસન છે.