રાજકોટના કુવાડવા નજીક શુક્લ પીપળિયા ગામના સરપંચનું તેની વાડીએ પાણીના ટાંકામાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેના પરિવાર અને ગ્રામજનોમાં કલ્પાંત સર્જાયો છે. ભારે ગરમીના કારણે તેની વાડીએ પરિવારના બાળકો ટાંકામાં નહાતા હતા તે દરમિયાન એક બાળક ડૂબવા લાગતાં તેને બચાવવા પડેલા સરપંચ પાણી પી જતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેનું મોત નીપજ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી બદલ એવાર્ડ આપી સન્માન કરાયાના બીજા દિવસે સરપંચનું મૃત્યુ થતા અરેરાટી ફેલાઇ હતી.
કુવાડવા નજીક શુક્લ પીપળિયા ગામે રહેતા કાનજીભાઇ મગનભાઇ ચારોલા (ઉ.60) બપોરે તેની વાડીએ હતા ત્યારે વાડીએ બનાવેલા મોટા ટાંકામાં તેના પરિવારના બાળકો નહાતા હતા તે દરમિયાન એક બાળક ડૂબતા દેકારો કરતાં કાનજીભાઇ બાળકને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ટાંકામાં પડતાં ડૂબ્યા હતા. બનાવને પગલે પરિવાર અને વાડીએ કામ કરતાં લોકાએ બહાર કાઢી તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના જમાદાર પ્રકાશભાઇ રાઠોડ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.