રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય સચિન પાઇલટ હવે પત્ની સારા પાઇલટથી અલગ થઈ ગયા છે. સચિન પાઇલટ અને સારા પાઇલટ વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. પાઇલટના ચૂંટણી એફિડેવિટમાંથી આ વાત સામે આવી છે. ટોંક વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યા બાદ તેમણે આપેલા સોગંદનામામાં પત્નીના નામની આગળ ‘ડિવોર્સ્ડ’ લખ્યુ છે.
સચિનનાં બંને બાળકો તેમની સાથે છે. સચિને એફિડેવિટમાં તેમનાં બંને બાળકો (અરન પાઇલટ અને વિહાન પાઇલટ)નાં નામ ડિપેન્ડન્ટ તરીકે લખ્યાં છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી (નવેમ્બર 2018)માં આપેલા સોગંદનામામાં સચિને પત્નીના નામની કોલમમાં સારા પાઇલટનું નામ લખ્યું હતું. આ વખતે પત્નીના નામની કોલમમાં ‘ડિવોર્સ્ડ’ લખવામાં આવ્યું છે.
2014ની લોકસભા ચૂંટણી દરમિયાન સચિન પાઇલટ અને સારાના અલગ થવાની ચર્ચાઓ પણ થઈ હતી. એ સમયે આને અફવા ગણાવીને ફગાવી દેવામાં આવી હતી. પાઇલટે જાન્યુઆરી 2004માં સારા પાઇલટ સાથે લગ્ન કર્યા હતા. સારા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની પુત્રી અને ઓમર અબ્દુલ્લાની બહેન છે. ડિસેમ્બર 2018માં સચિન પાઇલટે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. એ દરમિયાન સારા, બંને પુત્રો અને ફારુક અબ્દુલ્લા પણ ફંક્શનમાં હાજર રહ્યાં હતાં.