RTOના નામે લિંક આવી, ક્લિક કરતાં જ વૃદ્ધ દંપતીના રૂ. 10.66 લાખ ઉપડી ગયા

રાજકોટના કાલાવડ રોડ પર રહેતા 74 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવી મોબાઈલમાં RTOના નામે લિંક મોકલવામાં આવી હતી. જે લિંક પર ક્લિક કરતાં જ વૃદ્ધ દંપતીના ખાતામાંથી રૂ.10.66 લાખ ઉપડી ગયા હતા.

આ બનાવમાં કાલાવડ રોડ, વાઈટ હાઉસ 6 રોયલ પાર્કમાં રહેતા ચિરાગભાઈ બાબુલાલ ડેડકિયા (ઉં.વ.41)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ખાનગી કંપનીના સીઈઓ તરીકે નોકરી કરે છે. ચિરાગભાઈના પિતા બાબુલાલ અને માતા દિવ્યાબેનનું યશ બેંકનું ખાતું લિંક કરેલું છે.

ગત તા.30 ડિસેમ્બરના રોજ તેમના વોટ્સએપ પર એક સંબંધીના નંબર પરથી ‘’RTO E-CHALAN.apk’’ નામની લિંક આવી હતી. વૃદ્ધે આ ફાઈલ ડાઉનલોડ કરતા જ ઠગોએ તેમના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

વૃદ્ધનો મોબાઈલ હેક કરી OTP અને કોલ ડાયવર્ટ કર્યા ઠગોએ વૃદ્ધનો મોબાઈલ હેક કરી તમામ મેસેજ અને કોલ પોતાના નંબર પર ફોરવર્ડ કરી દીધા હતા. બાબુલાલભાઈનો મોબાઈલ નંબર તેમના પત્ની દિવ્યાબેનના બેંક ખાતા સાથે લિંક હોવાથી ઠગોએ એક પછી એક 10 ટ્રાન્ઝેક્શન કર્યા હતા.

ટ્રાન્ઝેક્શનના OTP ઠગોના મોબાઈલ પર જતા હોવાથી વૃદ્ધને છેક સુધી ખબર ન પડી કે તેમનું ખાતું ખાલી થઈ રહ્યું છે.

ફરિયાદીએ તાત્કાલિક 1930 હેલ્પલાઈન જાણ કરતા ગઠિયાએ કરેલા બે ટ્રાન્ઝેક્શન ફેલ થયા હતા, જેના કારણે રૂ.1.86 લાખ પરત મળી શક્યા છે. જોકે બાકીના રૂ.8.80 લાખ હજુ પણ ઠગોના કબજામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *