રાજકોટ શહેર-જિલ્લામાં RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રરહી છે. જે અંતર્ગત 4 દિવસમાં શહેરની 592 ખાનગી સ્કૂલોમાં 4,453 સીટ સામે 1,896 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. જ્યારે જિલ્લાની 329 ખાનગી સ્કૂલોમાં 2,187 સીટ સામે 1,402 ફોર્મ ભરાયા છે, ત્યારે રાજકોટ જિલ્લા પ્રાથમિક સિક્ષણ અધિકારીએ RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં વાલીઓને રાખવાની થતી તકેદારી અંગે જાગૃતિ આપી છે.
વાલીએ જે તે સ્કૂલની સ્થળ મુલાકાત કરવી જોઇએ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, વાલીઓ આ ફોર્મ જાતે ભરવાના બદલે અન્ય પાસે ભરાવે છે. જે તે સામાજિક સંસ્થાઓ પણ આ ફોર્મ ભરી આપે છે, પરંતુ આ સંસ્થાઓનું કામ ફોર્મ ભરવાનું છે. જ્યારે શાળા પસંદગી વાલીએ પોતે કરવાની હોય છે. ઉદાહરણ સાથે સમજાવું તો વ્યક્તિ કોઇ મકાન ભાડે રાખવા માગતું હોય તો તે જગ્યાએ જઈને સ્થળ તપાસ કરતું હોય છે. જે જગ્યાએ માત્ર બેથી ત્રણ વર્ષ રહેવું હોય તે ભાડાનું મકાન જોવા માટે પણ સર્વે કરવામાં આવે છે અને વાલી પોતાના સંતાનને ધો. 1થી 8 એટલે કે આઠ વર્ષ સુધી જ્યાં ભણાવવા માગે છે તે સ્કૂલની મુલાકાત પણ લેતા નથી. વાલીએ જે તે સ્કૂલની સ્થળ મુલાકાત કરવી જોઇએ.
ફોર્મ ભરતી વખતે તમામ સ્કૂલો સિલેક્ટ કરે છે સ્કૂલ રહેણાંકથી કેટલી દૂર છે એ જોવું જોઇએ. સ્કૂલનું વાતાવરણ બાળકને અનુકૂળ આવે તેવું છે કે કેમ તે પણ જોવું જોઇએ. સ્કૂલમાં સવારની પાળી છે કે બપોરની પાળી એ પણ તપાસવું જોઇએ. સ્કૂલ ગુજરાતી માધ્યમની છે કે અંગ્રેજી માધ્યમની. ગુજરાતી માધ્યમની હોય તો તે કઈ શિફ્ટમાં ચાલે છે અને અંગ્રેજી માધ્યમની હોય તો તે કઈ શિફ્ટમાં ચાલે છે તે પણ ચકાસવું જોઇએ. ઘણી વખત વાલીઓ એડમિશન મેળવવાની લાલચમાં જેટલી સ્કૂલો પસંદગી કરવા મળે તે તમામ સ્કૂલો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરી નાખે છે અને જ્યારે એડમિશન મળી જાય ત્યાર પછી આ સ્કૂલ ઉપર જાય ત્યારે વાલી એમ કહે છે કે, આ સ્કૂલ તો મને જોવી પણ ગમે તેમ નથી.