‘અબતક’ અખબારની કચેરીમાંથી સોનું-રોકડ સહિત રૂપિયા 76.90 લાખની ચોરી

રાષ્ટ્રીય શાળા રોડ પર આવેલી અખબારની કચેરીમાં ઘૂસી તસ્કરો સોનું અને રોકડ સહિત કુલ રૂ.76.90 લાખની માલમતા ઉઠાવી ગયા હતા. ચોરીની ઘટના અંગે વૈશાલીનગરમાં રહેતા અને અબતક પ્રેસમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં રાહુલભાઇ ગુણવંતરાય મહેતા (ઉ.વ.47)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રાહુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.1ને રવિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે અખબારની કચેરી બંધ કરી હતી અને તા.2ને સવારે આઠેક વાગ્યે પોતે કચેરીએ ગયા હતા અને પોતાની ચેમ્બરમાં બેઠા હતા ત્યારે કેમેરામેન કરણ જોગલ તેમની પાસે ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, તેઓ બેસે છે તેની બાજુની ચેમ્બરમાં તિજોરી તૂટેલી છે, રાહુલભાઇ અન્ય કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા તો પ્રેસના માલિક સતિષભાઇ મહેતાની ઓફિસની તિજોરી તૂટેલી હતી, એટલું જ નહીં અન્ય ચેમ્બરની ટેબલના ખાના ખૂલેલા હતા અને અગાશી પરની બારીનો હૂક તૂટેલો હતો. સતિષભાઇની ચેમ્બરનો કાચનો દરવાજો તૂટેલો હતો અને ચેમ્બરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો.

સતિષભાઇના સંબંધી ધારીવાળા કેતનભાઇ સોની રાજકોટમાં કારીગરો પાસે કામ કરાવવા માટે રૂ.51.50 લાખનું 540 ગ્રામ સોનું લઇને આવ્યા હતા તે સોનું તિજોરીમાં રાખ્યું હતું. આ ઉપરાંત સતિષભાઇની સોનાની વીંટી અને લકી મળી કુલ રૂ.10.25 લાખના ઘરેણાં હતા, રૂ.1.25 લાખના ચાંદીના સિક્કા હતા અને રૂ.3.50 લાખ રોકડા હતા એટલું જ નહીં બાજુના ટેબલના ખાનામાં પગારના રૂ.10 લાખ રોકડા 70 કવરમાં રાખ્યા હતા તે મળી કુલ રૂ.76.90 લાખનો દલ્લો તસ્કરો ઉઠાવી ગયા હતા. ચોરીની ઘટનાની જાણ કરાતાં એ.ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા તો રાત્રીના બુકાનીધારી એક શખ્સ અંદર ઘૂસીને ચોરી કરતો દેખાયો હતો. પોલીસે તે બુકાનીધારીની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *